વિશ્વનિયંતાના વિશ્વનાટકમાં તો છે એક પાત્ર તો તારું
પડશે તારે તો જગમાં સમજીને સારી રીતે એને ભજવવું
છે એ તો એક જ, આ વિશ્વનો સૂત્રધાર, પડશે એના ઇશારે ચાલવું
હશે ભજવ્યું પાત્ર જેવું તો તેં, પુરસ્કાર એનું એવું તને તો મળવાનું
રાખી અન્ય પાત્ર ઉપર નજર, નથી તારે પાત્ર તારું ભજવવું ભૂલવાનું
ગયો હોય ભૂલી જો પાત્ર તું તારું, પૂછજે જાણકારને તારે તો શું કરવાનું
હોય પાત્ર તારું અઘરું કે અણગમતું, પડશે તારે તો એને ભજવવું
કરી ભૂલોને ભૂલો, પડીશ એની નજરમાંથી તારે તો ઊતરી જવું
પડશે પાત્ર ઘૂંટવું તારે તો એવું, આવે ના કોઈ ભૂલનું એમાં ટાણું
ભજવ્યું હશે જ્યાં દિલ દઈને તેં એ સાચું, મળશે ત્યારે દર્શનનું નજરાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)