નજર મારી, ધોખા મને જો દઈ જાય, નજર મારી એને તો હું ગણતો નથી
સમજી શકે ના હૈયું જીવનમાં જો મારું, જો સાચું, હૈયું મારું એને હું ગણતો નથી
જિહ્વા મારી જો ખોટુંને ખોટું ઉચ્ચારતી રહે, એ જિહ્વાને મારી હું કહેતો નથી
મારી સમજદારીમાં જગાવી જાય બેસમજ જે કોઈ, એ સમજદારીને મારી હું ગણતો નથી
કર્મો કરી, રાખી જાગૃતિ, સોંપી દઉં જો એ પ્રભુને, કર્મો મારા એને હું ગણતો નથી
વૃત્તિઓને વૃત્તિઓ જાય ખેંચી મને જો જીવનમાં, બહાદુર મને ત્યારે હું ગણતો નથી
વિચારોને વિચારો ખેંચી જાય મને જો જીવનમાં, એ વિચારોને મારા ત્યારે હું ગણતો નથી
શ્વાસોને શ્વાસો ધરી જાય ઉપાધિઓ મને રે જીવનમાં, એવા શ્વાસોને મારા શ્વાસો હું કહેતો નથી
સાંભળતાને સાંભળતા રહે કાનો જે ખોટુંને ખોટું, એવા કાનોને મારા કાનો તો હું જાણતો નથી
જે કદમ ભુલાવી દે રાહ મને મારી મુક્તિની, એવા કદમોને મારા કદમ હું કહેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)