અમી ઝરતી આંખોના અમી સુકાઈ ગયા, જ્યાં નજરોમાં લોભ લાલચે સ્થાન લઈ લીધા
હસતા મુખડા પર હાસ્યની રેખાઓ કરમાઈ ગઈ, જ્યાં મુખ પર ચિંતાની રેખાઓ સ્થાન લઈ બેઠાં
સરળતા ને નિર્દોષતાના ભાવ મુખ પરથી લુપ્ત થઈ ગયા, જ્યાં હૈયાંમાં વેરઝેર સ્થાન લઈ બેઠાં
સાચવેલા અશ્રુઓને નજરું ના જીરવી શક્યા, જ્યાં હૈયાં ભક્તિરસમાં તરબોળ બની ગયા
મુખડું ઉદાસીનતા ખંખેરી બેઠું, ચીર પરિચિત અવાજના પારણા એને થઈ ગયાં
કોમળતામાં પણ કોમળતા ના રહી, જ્યાં હૈયાંને કઠોરતાના સ્પર્શ તો થઈ ગયા
હૈયું વિશાળતા એની ખોઈ બેઠું, જ્યાં હૈયાં સ્વાર્થની પાંખ ફડફડાવી તો બેઠાં
દુઃખ દર્દ મુખ પર તો અંકિત થઈ ગયા, હૈયાં જ્યાં સહનશીલતા એની ખોઈ બેઠાં
નયનો તો શંકોચ જાહેર કરી બેઠાં, જ્યાં કૂડકપટમાં નજરો સામે નજર ના મેળવી શક્યા
પ્રભુ તો આકુળવ્યાકુળ ત્યાં બની ગયા, જ્યાં પ્રેમના અગ્નિનો તાપ એને સ્પર્શી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)