નગુણો જીવનમાં ના તું બનજે, જીવનમાં નગુણો ના તું રહેજે
અવગુણોને રે જીવનમાં રે તું, જાણી પેખીને હૈયાંમાં ના તું સંઘરજે
ઉપકાર જીવનમાં સહુના ના તું ભૂલજે, અપકાર જીવનમાં કદી ના તું કરજે
હૈયાંમાં સદા, પ્રેમને ને પ્રેમને તું ભરજે, જીવનમાં વેરને હૈયાંમાં સ્થાન ના તું દેજે
જીવનમાં ક્રોધથી સદા તું દૂરને દૂર રહેજે, કરવા ક્રોધ જીવનમાં, કારણ ના તું ગોતજે
મળે સમજવાનું સાચું તો જ્યાં, એ તું સમજતા, ગેરસમજથી તો દૂરને દૂર તું રહેજે
ઇર્ષ્યામાં જીવનને ના તું જલાવજે, જીવનમાં ઇર્ષ્યાને તું દૂરને દૂર રાખજે
પ્રભુનું ચિંતન ને સ્મરણ નિત્ય તું કરજે, એના સ્મરણ વિના પળ ના વિતાવજે
હૈયાંને સદા આનંદમાં તું ડુબાડી રાખજે, ઉદ્વેગને જીવનમાં હૈયાંથી દૂર તું રાખજે
દુઃખ દર્દને હૈયાંમાં ના તું સંઘરી રાખજે, માનવ જીવન વૃથા ના વેડફી નાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)