પગલેપગલાં જીવનમાં, પાડતોને પાડતો જાઉં છું
ન જાણે ક્યાં ન જાણે ક્યાં, હું પહોંચતોને પહોંચતો જાઉં છું
મંઝિલે ને મંઝિલે રાહ, બદલતોને બદલતો હું જાઉં છું
મંઝિલ વિના ને મંઝિલ વિના, અથડાતોને અથડાતો જાઉં છું
ઉપેક્ષા વિના શીખ્યો ના જીવનમાં બીજું, મંઝિલની ઉપેક્ષા કરતોને કરતો જાઉં છું
કરી સૂચનોની ઉપેક્ષા, કરી શક્તિની ઉપેક્ષા, જીવનમાં એમાં હું ડૂબતોને ડૂબતો જાઉં છું
અટવાતોને અટવાતો રહી, પણ ખુદને સાચો માની, અન્યની ઉપેક્ષા કરતો હું તો જાઉં છું
ભૂલો ને ભૂલોની પરંપરા સર્જાતિ રહી જીવનમાં, જ્યાં અનુભવોની ઉપેક્ષા કરતો હું તો જાઉં છું
અપનાવી ના શક્યો જીવનમાં હું કોઈને જ્યાં, જીવનમાં પ્રેમની ઉપેક્ષા કરતો હું જાઉં છું
જીવનમાધૂર્ય ખોયું મેં તો મદમાં, મદોન્મતને મદોન્મત જ્યાં બનતોને બનતો હું જાઉં છું
અન્યની પીડાની કરતો ગયો ઉપેક્ષા, પીડાને પીડામાં પીડાતોને પીડાતો હું તો જાઉં છું
પ્રાણવાન બનવાને બદલે જીવનમાં હું તો, હતપ્રાણ બનતોને બનતો હું તો જાઉં છું
ઉપેક્ષા હશે હથિયાર ભલે તો જીવનનું, ઉપયોગ અવળો એનો તો હું કરતો જાઉં છું
ઉપેક્ષાને ઉપેક્ષા કરતો રહ્યો સર્વેની હું તો જીવનમાં, જીવનમાં ઉપેક્ષા પામતો હું તો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)