સિતમગરના સીતમ સહન કરતા પણ હૈયું જ્યાં અચકાયું નહીં
પ્રિયનો ક્ષણભરનો પણ વિરહ, હૈયું ત્યાં તો જિરવી શક્યું નહીં
હતા રસ્તા ચારે દિશાના ભલે બંધ, પણ હૈયું એમાં તો ધડક્યું નહીં
પ્રિયજનના દ્વાર તો જ્યાં બંધ થયા, હૈયું એ સહન કરી શક્યું નહીં
હતા ભલે પૂર્ણ એશોઆરામ જીવનમાં, હૈયું તોયે એમાં તો હરખાયું નહીં
મળી ગઈ પ્રિયજનની નજરની એક ઝલક જ્યાં, હરખાયા વિના એ રહ્યું નહીં
યાદોને યાદોમાં જાશે વીતી ખુશીથી જિંદગી પ્રિયજનની યાદ વિના જો એ હશે નહીં
દુઃખભરી કે સુખભરી આવશે યાદો, પ્રિયજનની યાદો ગમ્યા વિના રહેશે નહીં
કંટકભર્યા જીવનમાં પણ યાદો, પ્રિયજનની, વેદના ભુલાવ્યા વિના રહેશે નહીં
યાદનું અમૃતબિંદુ તો જીવનમાં, જીવનને તાજગી આપ્યા વિના રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)