જીવ જગમાં તો આવતોને આવતો રહ્યો, કાર્ય પૂરું કાંઈ એ ના કરી શક્યો
કાર્ય પૂરું કરવાના મનસૂબા ઘડી, એને અધૂરા મૂકી વિદાય લેતો રહ્યો
સાચી ખોટી કરી ઝંઝટો જીવનમાં, જગમાં એમાંને એમાં એ ગૂંથાતો રહ્યો
દુઃખ દર્દ વિના વિતાવ્યું ના જીવન, એને સદા તો એ નોતરતો રહ્યો
કદી એક નામે, કદી બીજા નામે વ્યસ્ત રહી, પ્રભુને તો એ વીસરતો રહ્યો
કરી કરી ચિંતા, હૈયે જગાવી ચિંતા, ચિંતા વિના જીવનમાં ના એ રહી શક્યો
કર્મ આગળ ચાલતું નથી મારું કાંઈ, કહી હાથ ખંખેરી જગમાં એ બેસી રહ્યો
કર્મ વિના ના એ રહી શક્યો, ના જાણી શક્યો, કર્મબંધનમાં એ જકડાઈ રહ્યો
ચિંતનને ચિંતન, રહ્યો જીવનમાં કરતો, આચરણમાં ના એને એ મૂકી શક્યો
હસતાને રડતાં જગમાં, જગમાં કાળ એનો એ વ્યતિત કરતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)