ઘટઘટમાં વ્યાપ્યા છો મારા રે રામ, શ્વાસે શ્વાસમાં સમાયા છો મારા રે શ્યામ
બોલો હવે પ્રેમથી, સીતા સીતા શ્રીરામ, રાધે શ્યામ (2)
જીવન તો વિતાવ્યું કરતાને કરતા કામ, લીધું ના એમાં પ્યારું પ્રભુનું નામ
જોડયા હાથ કંઈકને જીવનમાં તો વારંવાર, કર્યા ના હાથ જોડીને પ્રભુને પ્રણામ
લાભલોભમાં ત્યજ્યો જીવનનો આરામ, છોડયો ના પ્રભુ કાજે સારો આરામ
નિશ્ચિત તો છે જગમાં, જગ છોડીને એક દિન જાવું પડશે તો પ્રભુના ધામ
પ્રભુના નામ જેવો મળશે ના જગમાં તને, બીજે તો ક્યાંય વિરામ
નથી કાંઈ બીજી ઉપાધિ તો એમાં, પડશે ના એમાં તો કોઈ દામ
ઋણ ચૂકવવાનું છે જ્યાં પ્રભુનું, કાઢશો ના બહાનું, છે મારે તો કામ
છે નામ તો પ્રભુનું એવું, દે છે જીવનમાં અમૂલ્ય શાંતિનું ઇનામ
રહેશે જગમાં તારો અધૂરો મુક્તિનો પ્રવાસ, લેશો ના પ્રેમથી પ્રભુનું નામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)