હૈયાંમાં યાદ તારી તો પ્રભુ જ્યાં જાગી જાય, હલચલ હૈયાંમાં ત્યાં મચી જાય
હૈયું મારું જ્યાં તારા મય થાતું જાય, અંધકાર હૈયાંનો ત્યાં દૂરને દૂર થાતો જાય
તારી યાદમાં હૈયું તો જ્યાં નહાતું જાય, હૈયાંમાં પ્રશ્નોના ઉકેલ તો મળતા જાય
તરી યાદની ગરમી હૈયાંમાં જ્યાં ફેલાઈ જાય, પ્રકાશ હૈયાંમાં ત્યાં ફેલાઈ જાય
તારી યાદે યાદે હૈયું જ્યાં ઊભરાઈ જાય, ઉકળાટ હૈયાંના બધા ત્યાં શમી જાય
તારી યાદમાં રે પ્રભુ હૈયું જ્યાં ભીંજાઈ જાય, વળગણ હૈયેથી બધી, ત્યાં છૂટી જાય
તારી યાદ હૈયાંમાં જ્યાં છવાઈ જાય, હૈયું ત્યાં આનંદમાં એમાં તો નહાય
તારી યાદ જ્યાં હૈયાંમાં ભારોભાર ભરાઈ જાય, પ્રવેશ અન્યનો એમાં બંધ થઈ જાય
તારી યાદમાં હૈયું જ્યાં પૂરેપૂરું ડૂબી જાય, તારા વિના એ જોઈ ના શકે બીજું કાંઈ
તારી યાદનું ઝરણું હૈયાંમાંથી ઝરતું જાય, જીવન ત્યાં તો ધન્ય ધન્ય બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)