કોને કહેશો, કોને કહેશો, જ્યાં એમાં તો સહુ એકસરખા છે
દોષ તો કોના રે જોવા, જ્યાં જગમાં તો સહુ દોષોથી ભરેલાં છે
આપવી માફી કોને રે જગમાં, જ્યાં સહુ અપરાધોમાં તો ડૂબેલા છે
દેવી સહાય જગમાં તો કોને કોને, જ્યાં એમાં તો સહુ અપંગ છે
દર્દની દાસ્તાન તો કહેવી જઈને કોને, જ્યાં સહુ દર્દથી તો પીડાઈ રહ્યાં છે
સલાહ દેવી તો જગમાં દેવી તો કોને, જ્યાં સલાહ દેવા સહુ તો ઊભા છે
ચણતર ચણવા કયા ચણતર ઉપર, જ્યાં ચણતર સહુના તો કાચા છે
પ્રેમના પીયુષ પાવા જગમાં કોને કોને, જ્યાં જગમાં સહુ પ્રેમના પ્યાસા છે
ચિંધવી આંગળી કોના વસ્ત્રો ઊપર, જ્યાં જગમાં સહુના વસ્ત્રો તો મેલાં છે
નથી કાંઈ જુદો એમાંથી તો તું જ્યાં, લેનારને દેનાર, તો બેઉ સરખા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)