છુપ્યોછુપાવી ના શકાય હૈયાંનો જ્યાં પ્યાર, ગયા ત્યાં તો પકડાઈ
એકરાર વિનાનો એકરાર થઈ ગયો, ચાલી ના એમાં તો કોઈ ચતુરાઈ
ગયા ભલે એમાં તો પકડાઈ, આંખો ધીરે ધીરે રહી ત્યાં મલકાઈ
પકડાઈ જાતાં, ભુલાઈ ગઈ, ભુલાઈ ગઈ એમાં જીવનની બધી અકડાઈ
ગણી ના શક્યો એને મારી નબળાઈ, હતી જ્યાં એ તો મીઠી નબળાઈ
થાતા એકરાર એને, બનીશ તું હળવો, જઈશ ના ભાર નીચે દબાઈ
ભાવોને ભાવોમાં ગયા જ્યાં એમાં ડૂબી, જાશે જીવનમાં બધું ત્યાં ભુલાઈ
અંદરની વાતો રહી ભલે અંદરની અંદર, ભલે ના એ તો કોઈને કહેવાય
આંખો દ્વારા જ્યાં એકવાર ગઈ એ પકડાઈ, ગઈ ત્યાં એ તો સમજાઈ
હૈયાંમાં ગઈ જ્યાં એ તો સમાઈ, જીવનમાં ગઈ ત્યાં એ તો પથરાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)