કિનારાને કિનારાને, ગોતતી ને ગોતતી, ચાલી જાય છે મઝધારે નાવડી
આરો આવતો નથી, કિનારો જડતો નથી (2)
પહોંચીને તો કિનારે, શોધવા છે શિખરો તો એણે, તો શાંતિના
સહ્યાં કંઈક તોફાનો ને વમળો તો મઝધારમાં, ચાલી રહી છે નાવડી
ઘોર અંધકારે, સૂઝે ના દિશા અગમ્ય આધારે ચાલી રહી છે નાવડી
ધીરજની મૂડી ને હિંમતનું ભાથું, જઈ રહ્યું છે ખૂટી, ચાલી રહી છે નાવડી
બેસશે જઈને તળીયે એ તો ક્યારે, કહેવાતું નથી, ચાલી રહી છે નાવડી
સુખદુઃખના મોજા રહ્યાં છે ઊછળતા, ઘસડાતી એમાં, ચાલી રહી છે નાવડી
શોધ્યો મળતો નથી કોઈ સાથી કે સંગાથી, એકલવાઈ ચાલી રહી છે નાવડી
છે નાવડી જ્યાં મારે, પડશે ચલાવવી એને મારે, ચાલી જાય છે મઝધારે નાવડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)