વિરહની વેદના તો કંઈકને રાતભર જગાવે
ચિંતાઓ તો સદા કંઈકને રાતભર સતાવે
જલતી ઈર્ષ્યાની આગ તો ઊંઘ બહુ હટાવે
સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે
શબ્દનાં બાણ તો રાતભર બહુ સતાવે
નિરાશાની આગ રાતની ઊંઘ હરામ કરાવે
શરીરવેદના તો કંઈકને રાતભર જગાવે
સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે
વિચારોનાં વમળો તો રાતભર જગાવે
અપમાનોની યાદ તો રાતભર સતાવે
અસંતોષની જલતી આગ નીંદ રાતની હટાવે
સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે
જાગી જ્યાં ભૂખ પેટમાં, નીંદ એ તો હટાવે
કામ જાગી ગયો દિલમાં, નીંદ એ તો ભુલાવે
ભભૂકતી હૈયે તો વેર જ્વાળા, નીંદને પણ એ જલાવે
સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે
સંતોષ હૈયે વસી સ્થાન જો ના જમાવે
બેકરાર દિલને તો ત્યાં કરાર ના આવે
કૃપા ‘મા’ ની ઊતરતાં સહુ કાંઈ સીધું થાયે
સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)