મુખમાં તારા જાદુ ભર્યું છે કેવું, હૈયું આનંદે ઊભરાય રે માડી
મુખ તો તારું પ્રેમાળ છે એવું, જોતાં દુઃખ સહુ ભુલાય રે માડી
સંસારે તો ભૂલા પડ્યા અમે
અહમે તો ખૂબ અટવાયા છીએ
જોતા તારા મુખને રે માડી, હૈયે તો શાંતિ સ્થપાય - રે માડી
પાપે-પાપ રહ્યા બળતા અમે
વાસનાએ તો જલતા રહ્યા છીએ
કરતાં દર્શન મુખનું તારું, પાપ અમારાં ધોવાય - રે માડી
અંધકારે તો રાહ ના જડતી
ખાડાટેકરાની સમજ ના પડતી
તારા મુખના તેજે-તેજે રે માડી, પ્રકાશ પમાય - રે માડી
પુણ્યસલિલા છે તું તો માતા
પાપી છીએ અમે બાળ તારા
કરતાં દર્શન મુખનું તારું, પાપ બળી જાય - રે માડી
હેતની વરશે અમીરસ ધારા
કરજે શુદ્ધ તો હૈયાં અમારાં
તારી આંખડીના હેતમાં, કદી ન કમી દેખાય - રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)