જગનું તું જાણવા નીકળ્યો છે, છે તું તો તુજથી અજાણ
કદી હૈયામાં ઊંડો ઊતરી, કરજે તારી તો પહેચાન
માનવ થઈ આવી જગમાં, કાં જીવે જીવજંતુ સમાન
અન્ય કાજે પંડ ઘસી દેજે, થાશે સાર્થક જીવ્યું જાણ
કામ, ક્રોધ, લોભ, લાલસા, ખેંચી જાશે તને તો સદાય
પશુમાં પણ વૃત્તિ એ મળી રહે, માનવ થયો શું કામ
મન, બુદ્ધિ, વિચાર, મળ્યા તને જગમાં તો વિશેષ
ઉપયોગ સાચો ના કરી, સાર્થક કર્યો ના તેં દેહ
કામકાજમાંથી તો સમય કાઢી, ઊતરજે તું તારી અંદર
જગનું કારણ તો તું છે, સમજાશે તો ત્યાં અંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)