સુકાયે ભલે નદીનાં નીર, સુકાયે ભલે સરોવરનાં નીર
તોય જોજે સુકાયે રે ના માડી, તારા કૃપાનાં નીર
ધુમ્મસ ઘેરે ભલે ધરતીને, ઘેરે વાદળ ભલે આકાશને
તોય જોજે ઘેરે ના માડી, અંધકાર મારા મનને
ખારાશ રહે ભરી ભલે સાગરમાં, રહે ખારાશ ભલે ધરતીમાં
તોય જોજે ભરી રહે ન ખારાશ માડી, મારા તો હૈયામાં
મેલાં રહે ભલે પાથરણાં, મેલા રહે ભલે મહેલ-મિનારા
તોય જોજે મેલા રહે ના માડી, મારા મનના મિનારા
લાગે ભલે સગાંઓ પ્યારાં, લાગે પ્યારા ભલે સૂત વિત, દારા
તોય જોજે રે માડી, સદાય લાગે તારાં દર્શન પ્યારાં
ભલે પલટાયે સંજોગ અમારા, સદાય રહે ભલે દુઃખના ભારા
તોય જોજે રે માડી, સુકાયે ના હૈયાનાં હાસ્ય અમારાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)