તું છે તો હું છું, છે અસ્તિત્વ મારું તો તુજ થકી
નિરાકારે રહીને તો માતા, સાકાર તો મુજને બનાવ્યો – તું…
વિશાળ સાગર જો તું છે રે માતા, છું બિંદુ એમાંનું તારું – તું…
કોટિ કિરણો તુજમાંથી વહે, છું અલ્પ એમાંનું કિરણ તારું – તું…
વિશાળ આકાશ જો તું હોયે માતા, છું એક નાનું ટમટમતું તારું તારલિયું – તું…
ઊંચે ને ઊંચે છે મસ્તક તારું, છું તુજ દૃષ્ટિમાં નાનું પતંગિયું – તું…
તું છે જગની મદારી તો સાચી, તારા ઇશારે સદા હું તો નાચું – તું…
સંસારની છે તું અદ્દભુત સૂરાવલિ, છું હું તો સરગમ તારી – તું…
વિશાળ જગનો છે તું વહેતો વાયુ, છું એક લહેરીઓમાં હું તારી – તું…
તું છે જગવ્યાપી તો આત્મા, છું હું તો એમાંનું તન તો તારું – તું…
છે કાળની કાળ તું તો માતા, છું એમાંનો અલ્પકાળ તારું – તું…
સમસ્ત સૃષ્ટિ છે રચના તો તારી, છું એમાનું એક પૂતળું તો તારું – તું…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)