કોઈને મળી તું તો જંગલે, મળી તું કોઈને તો મંદિરે
મળીશ તું મને ક્યાં રે માડી, તારો સાચો પત્તો બતાવી જા
શોધી-શોધી તને થાક્યો હું તો, મળી ન તું તો ક્યાંય - મળીશ...
થાક્યો છું ખૂબ હું તો માડી, હવે વધુ તો થકવતી ના - મળીશ...
ન જાણું હું માડી, રાગ કે રાગિણી, ન જાણું શાસ્ત્ર તણો સાર - મળીશ...
જાણું હું તો, છું હું તારો બાળ ને છે તું તો મારી ‘મા’ - મળીશ...
દઈ દેખા તું દૂર જાતી, થાતી અલોપ તું ક્યાં ને ક્યાં - મળીશ...
ગોતી-ગોતી થાક્યો હું તો, વહે છે આંખે અશ્રુ ધાર - મળીશ...
સંતાકૂકડી રહી છે ચાલુ, ઘડી-ઘડી અલોપ થઈ જાય - મળીશ...
તારી આ રમત તો માડી, હૈયે વિરહ જગાવી જાય - મળીશ...
કર કરુણા એવી માડી, સાચો પત્તો બતાવી જા - મળીશ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)