કમી નથી, કમી નથી મારા જોવાની, જગમાં તો કમી નથી
કહું તો કાંઈ, કરું તો કાંઈ, રાખું જીવનમાં ધજા એની તો ફરકતીને ફરકતી
જોઉં રાહ હું, ગોતું મોકો હું, ભાર માયાનો દઉં કોના ઉપર તો ઓઢાડી
અક્કલનો છાંટો તો નથી રે મુજમાં, અક્કલની ખુમારી તોયે ઓછી નથી
સ્થિરને સ્થિર માનતો રહું મુજને હું, પગ નીચેની રેતી રહે ભલે શરકતી
હૈયે રહ્યો હોય અજ્ઞાનનો તો અંધકાર, જ્ઞાનનો ભંડાર સમજવા વિના રહ્યો નથી
કરું ઓછું, ગાજું ઝાઝું, અણી સમયે પીઠ ફેરવ્યા વિના તો હું રહ્યો નથી
દુઃખની બૂમો પાડયા વિના રહ્યો નથી, સુખની શોધની તો સાચી સમજ નથી
ખોટું કરવામાં કાંઈ વાર લાગતી નથી, ખોટું લગાડવામાં પણ વાર લાગતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)