શણગારવી છે રે માડી, સજાવી તને આજે શણગાર
પહેરાવીશ ચણિયાચોળી, ભરાવી જરી કેરી ભાત
ઓઢાડીશ રે ચૂંદડી તને લાલ, લાલ ચટકદાર
કરીશ ચાંદલો તને લાલ માણેકનો, લાલ ચમકદાર
પહેરાવીશ સાચા મોતીની માળા તને, મોતી તો પાણીદાર
પહેરાવીશ તને કમરબંધ ચાંદીનો, ચાંદીનો નકસીદાર
પહેરાવીશ મુગટ સોનાનો, જડાવી તો રત્નો હજાર
પહેરાવીશ સાચા હીરાની નથડી, હીરા તો પાણીદાર
વિવિધ રત્નોના પહેરાવીશ કુંડલ, શોભાનો નહિ પાર
પહેરાવીશ તો મોજડી તને, કરાવી સુંદર ભરતકામ
છાંટીશ અત્તર તો એવું, પ્રસરશે જગમાં એની સુવાસ
નીરખી રહીશ મૂર્તિ તારી, હટશે ના નજર તો લગાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)