તૂટી-ફૂટી છે નાવડી મારી, તરવો છે આ સંસાર
હૈયે આશા છે ભરી રે માડી, ઉતારશે તો તું ભવપાર
એક આફત શમે ના શમે, ત્યાં જાગે તો બીજી હજાર
હાલત છે એવી રે મારી, કરજે માડી જરા તો વિચાર
ચારેકોર તોફાન ઊછળે, સૂઝે ના દિશા તો લગાર
ક્યાં છું, શું થાશે રે માડી, આવે ત્યારે તો આ વિચાર
આંખ સામે દેખાયે તાંડવ, દેખાયે સંહાર તણો શણગાર
વહેલી દોડી આવજે મારી માડી, કરવા મારી વહાર
આંખ સામે ખોટા કર્મો નાચે, વહે તો છે અશ્રુધાર
હવે તો વાર ના કરજે રે માડી, સુણજે રે મારી પુકાર
હાલકડોલક થાયે નાવડી મારી, છે તું તો એની લંગાર
જગનો છે તું તો આધાર, બનજે આ નિરાધારનો આધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)