પોતાનાને કરી પારકા, પારકાને પોતાના કરી શકે કેટલા
વાતે-વાતે જે સોગંદ ખાયે, સાચા હશે એમાં તો કેટલા
અનુભવ વિનાની વાણી ઉચ્ચારે, કરે મુશ્કેલી દૂર કેટલા
મીઠી વાતડીમાં જાયે લોભાઈ, સમજશે સાચું કેટલા
મુશ્કેલીથી ડરી જાયે, હસતા હસતા કરે સામનો કેટલા
જન્મે માનવ જગમાં અનેક, દર્શન ‘મા’ ના પામે કેટલા
તારાઓ તો નભમાં છે અનેક, ધ્રુવ તારા તો કેટલા
પ્રજાજનો મળશે જગમાં અનેક, મળશે સાચા રામ તો કેટલા
પોતાનાને સહુ ગળે લગાવે, દર્દને તો ગળે લગાવે કેટલા
અમૃત પીનારા તો સહુ મળે, ઝેર પીનારા તો મળશે કેટલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)