તું આવે ત્યારે માડી, સંદેશો કહેવરાવજે રે
તારા આવ્યાના ભણકારા, તારા દર્શનના ચમકારા
રે માડી હૈયામાં તો ખૂબ જાગે છે
રોકી શકે ના કોઈ તને રે માડી, શાને તું રોકાય છે - રે માડી...
જોઈ વાટડી ખૂબ તારી, ખૂબ વાટ તો તું જોવડાવે છે - રે માડી...
રોઈ-રોઈ આંખો થઈ ભારી, દર્શનની તડપ જગાવે છે - રે માડી...
નીંદર ગઈ છે રે ભાગી, તારા આવવાની ઘડી ગણાય છે - રે માડી...
સ્વાદના તો ભાન ભુલાયા, રટણ હૈયામાં તારું થાય છે - રે માડી...
સુખચેન બધા ખોવાયા, તારા દર્શનની ઝંખનામાં સમાય છે - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)