કોઈ આવે ન આવે રે, તારી સાથે
તારું અંતર તો રહેશે સાથે ને સાથે
કોઈ હોયે ભલે પાસે ને પાસે
રહેશે અંતર, તારું તો સદાયે પાસે
કોઈ જોવે ન જોવે કર્મો તારા
રહેશે ના કદી તારા અંતરથી અજાણ્યા
કોઈને મારશે માર તું તો જ્યારે
અંતર તારું માર તો પહેલું ખાશે
કરીશ તું અન્યાય અન્યને જ્યારે
વાગશે ઠેસ, તારા અંતરને પહેલી ત્યારે
અંતરથી લાગશે જગ તારું જ્યારે
સુખદુઃખ અન્યના અંતર અનુભવશે ત્યારે
રાતદિવસ રહે છે એ તો સાથે ને સાથે
અવગણના એની રહ્યો છે કરતો સદાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)