ઊઠશે નજર ઊંચે આકાશમાં, જાશે નજર નીચે પાતાળમાં
રે, ઊતરશે તારી નજર ઊંડે ઊંડી તારા અંતરમાં
મળશે તને તારા પ્રભુ, છુપાયેલા તારી નજરમાં
વાયુની વહેતી લહેરીઓને, સૂર્યના ફૂટતા કિરણોમાં
વહેતા ઝરણાનાં ખળખળ નીરમાં, પહોંચશે ઊંચી અટારીઓમાં
મળશે તને તારા પ્રભુ, છુપાયેલા તારી નજરમાં
પંખીના મીઠા કલરવમાં, ઘૂઘવતા સાગરના નાદમાં
વાદળીઓના ગડગડાટમાં, પવનના શીતળ સુસવાટમાં
મળશે તને તો તારા પ્રભુ, છુપાયેલા તારી નજરમાં
વીજળીના ચમકારમાં, કે તારલિયાના ચમકારમાં
ચાંદલાના શીતળ પ્રકાશમાં, કે સૂર્યના અજવાળામાં
મળશે તને તો તારા પ્રભુ, છુપાયેલા તારી નજરમાં
નિર્દોષ મલકાટમાં, કે સ્નેહભરી આંખમાં
દિલપસંદ સુગંધમાં, કે મનહારી સ્વરોમાં
મળશે તને તો તારા પ્રભુ, છુપાયેલા તારી નજરમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)