ધરીયે છીએ રે માડી, અમે હૈયેથી તો તારું રે ધ્યાન, તારું રે ધ્યાન
ધરે છે હૈયેથી તું રે માડી, કોનું રે ધ્યાન, તું કોનું રે ધ્યાન
દઈયે છીએ રે માડી, અમે હૈયેથી તને રે માન, તને રે માન
દે છે રે માડી, હૈયેથી તું તો કોને રે માન, તું કોને રે માન
કર્તાકારવતા છે જગમાં તું, ના જાગે હૈયે તને અભિમાન, તને રે અભિમાન
કરી મારું-મારું હૈયેથી જગમાં, અમને જાગે રે અભિમાન, જાગે રે અભિમાન
ચાલે સત્તા તો જગમાં તારી, છે તું સર્વ શક્તિમાન, છે તું સર્વ શક્તિમાન
થાયે થોડું ધાર્યું અમારું, માનીયે અમને શક્તિમાન, અમને શક્તિમાન
છે બાળ તો સહુ તારા, છે સહુ તને સમાન, છે સહુ તો સમાન
ટકરાતા સ્વાર્થ અમારા, ભૂલીયે અમે ભાન, ભૂલીયે અમે ભાન
છીએ અલ્પ એવા અમે બાળ તારા, છે તું મહાન, છે તું મહાન
ધરે છે હૈયેથી માડી, તું તો કોનું રે ધ્યાન, તું કોનું રે ધ્યાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)