માગ્યું તેં ના દીધું રે માડી, દીધું બીજું એને કરવું શું
રાહ જોવરાવી ઘણી, દીધું રે આવું, તેને રે કરવું શું
સમય વીત્યા, મેહુલા રે વરસે, એવા જળને રે કરવું શું
થાક લાગે, હાથ ના પકડે, પકડે પછી, તેને રે કરવું શું
તરશે જીવ જાય માડી, પાણી પીવરાવશે પછી, તેને રે કરવું શું
ફેલાવી ઝોળી, રાખે ખાલી, સંકેલું ભરવા આવે, તેને રે કરવું શું
પડતા આખડતા, ના બચાવે, કરે દવા પછી, તેને રે કરવું શું
ભૂખે તડપી સૂઈ જાઉં, દે ભોજન પછી રે, તેને રે કરવું શું
ધોમ ધખતાં તાપે પડી જાઉં, ધરશે છાંયડો પછી રે, તેને રે કરવું શું
વૃથા વીતી જાશે, જીવન મારું રે માડી, આવશે પછી રે, તેને કરવું શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)