હે જગજનની માત તું, છે તું વિશ્વનિયંતા
તારા વિના સૃષ્ટિની સંભાળ કોણ રાખે
છે અલખ એવી રે તું, સાકાર-નિરાકારે તો વ્યાપી
છે કર્તા જગની રે તું, અકર્તા તોય દેખાયે - હે...
રૂપ તારા તો અનેક, મતિમાં ન આવે તો એ
કૃપા વિના તારી રે, તને તો કોણ જાણે - હે...
સકળ જગમાં વ્યાપ્ત તું, સચરાચર જગ તુજ થકી
તોય દર્શન તારા, જગમાં દુર્લભ ગણાયે - હે...
માતપિતા તું જ છે, છે બંધુ ને વળી તું તો સખા
તુજ વિના સંબંધ જગના અધૂરા સદા રહે - હે...
ગતિ તો તુજ થકી, મતિ-બુદ્ધિ વળી તુજ થકી
છે અજરાઅમર તો, જગજનની તું તો સદાયે - હે...
રાત અને દિન તો, સ્પર્શે ના સમય તને તો જરા
આ સકળ સૃષ્ટિમાં, ધાર્યું તારું તો સદા થાયે - હે...
ન નર કે નારી તું, નર-નારીમાં છે વ્યાપ્ત તું
ધાર્યું અણધાર્યું, જગમાં બધું તું તો કરે - હે...
જ્ઞાન કે ભક્તિ, વળી સેવા પહોંચાડે તુજ મહીં
તારી શક્તિ વિના, ના જગમાં તો કંઈ બને - હે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)