ના તડપાવશો હવે રે માડી, વિયોગના તો તાપમાં
ભીંજવી દેજો જરા રે માડી, આજે તો તમારા પ્યારમાં
રહ્યા છીએ ઝૂરી, રાતદિવસ તો તમારી યાદમાં
દઈ દર્શન તમારા, કરજો રે પાવન, નયનો અમારા
નાચી રહ્યા છીએ રે નાચ, અમે જગમાં, માયાના વહાલમાં
નજર નજર ફેરવી જગમાં બધે, મળ્યા ના નજરના કિનારા
મળી નજર જ્યાં તુજથી રે માડી, દેખાયા નજરના કિનારા
દઈ દર્શન તમારા, કરજો રે પાવન, નયનો તો અમારા
ચિત્તડા ઝૂમ્યા, હૈયા નાચ્યા, પહોંચ્યા મનડાં દ્વારે રે તારા
કર્મો કેરી લીંટી ત્યાં તો અટકી, થયા મનડાંને દર્શન તારા
ઝંખના હૈયે જાગે, આંખો નિંદ્રા ત્યાગે, દર્શન કાજે તારા
દઈ દર્શન તમારા, કરજો રે પાવન, નયનો તો અમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)