હરેક માનવી, વૃત્તિથી બંધાયો છે
વૃત્તિના નાચમાં માનવ તો સપડાયો છે
ખેલ એના અજબ છે એવા, ક્યારે શું કરાવી જાય છે
કરતા નજર ખુદની વૃત્તિ પર, ચકિત તો થઈ જવાય છે
વૃત્તિનો દોર તો, જાય એવો ખેંચી, ના એ સમજાય છે
સમજું લાગતો માનવ કદી, ગાંડપણ તો કાઢી જાય છે
વૃત્તિના નાચ છે અટપટા, ક્યારે પાડે, ક્યારે તારી જાય છે
સમજી વિચારી લેજે એને હાથમાં, જોજે ના એ સરકી જાય રે
વૃત્તિ વૃત્તિથી ટકરાતા, સંગ્રામ ત્યાં તો રચાઈ જાય છે
હાર ગણો કે જીત ગણો, જીત આખર વૃત્તિની તો થાય છે
કરવા નિર્મળ કરજે યત્નો, મુશ્કેલીથી એ તો થાય છે
થાતા નિર્મળ એ તો, જીવન ત્યાં તો પલટાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)