છો તમે તો ગુણોના ભંડાર રે પ્રભુ, હરીને અવગુણ અમારા
ગુણ થોડા ભી તમારા, અમારામાં તો ભરી રે દેજો
છો તમે શક્તિના ભંડાર રે પ્રભુ, છીએ તો અશક્ત રે અમે
હરી અશક્તિ અમારી રે પ્રભુ, શક્તિ થોડી તમારી અમારામાં ભરી દેજો
છો તમે પ્રેમના સાગર રે પ્રભુ, હરીને હૈયાના વેર તો અમારા
તમારું પ્રેમામૃત થોડું અમને તો પીવરાવી દેજો
છો તમે તો જ્ઞાનના ભંડાર રે પ્રભુ, હરી અજ્ઞાન હૈયાના અમારા
જ્ઞાન થોડું તમારું, અમારામાં તો ભરી રે દેજો
છો તમે તો સુખના સાગર રે પ્રભુ, હરી દુઃખ જીવનના અમારા
છંટકાવ થોડો તમારા સુખનો, અમારા પર વરસાવી દેજો
છો તમે તો કૃપાના સાગર રે પ્રભુ, સંસાર તાપે તપીએ છીએ અમે
છત્ર કૃપાનું તમારું રે પ્રભુ, અમારા પર થોડું ધરી રે દેજો
છો તમે તો દયાના સાગર રે પ્રભુ, છીએ દયાપાત્ર તો અમે
દયાના બૂંદ તો તમારા આજ, અમને તો પીવરાવી દેજો
ભરી ભરી છે નિર્મળતા તમારી દૃષ્ટિમાં, હરી વિકાર દૃષ્ટિના અમારા
નિર્મળતા તમારી, અમારી દૃષ્ટિમાં થોડી ભી ભરી રે દેજો
તમે તો છો સર્વશક્તિમાન રે પ્રભુ, છીએ અસહાય તો અમે
અમારા રક્ષણની જવાબદારી, તમે તો સ્વીકારી લેજો
છો તમે તો સર્વ જાણકાર રે પ્રભુ, છીએ અજાણ્યા અમે તો પ્રભુ
થોડી સાચી જાણકારી જગની, અમને તો દઈ દેજો
છો તમે તો પ્રકાશના ભંડાર રે પ્રભુ, અંધકારે અટવાતા છીએ અમે
પથ પર તો અમારા, પ્રકાશ તમારા તો પાથરી દેજો
છો તમે તો જગના તારણહાર રે પ્રભુ, છીએ પાપમાં ડૂબેલાં અમે
હાથ ઝાલી અમારા રે પ્રભુ, ભવસાગર અમને તરાવી દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)