થોડો થોડો થાક લાગ્યો છે ભાઈ, થોડો થોડો થાક લાગ્યો છે
દોડયો જીવનમાં ખૂબ ઇચ્છાઓ પાછળ, ઇચ્છાઓનો હવે થાક લાગ્યો છે
અસંતોષે રાખ્યું જીવન તો ભર્યું ભર્યું, અસંતોષનો હવે થાક લાગ્યો છે
પંપાળ્યો તો જીવનભર ખૂબ અહંને, અહંનો તો હવે થાક લાગ્યો છે
જીવનભર તો જ્ઞાન કર્યું રે ભેગું, અમલ વિના તો હવે કાટ લાગ્યો છે
ફળી નિરાશાઓ તો જીવનમાં ઝાઝી, નિરાશાઓનો હવે થાક લાગ્યો છે
કરી દોડધામ, ગજાબહારની તો જીવનમાં, અશક્તિનો તો હવે થાક લાગ્યો છે
વેરની જ્વાળા હૈયે તો સળગતી રહી, વેરનો તો હવે થાક લાગ્યો છે
કરી ગુલામી જીવનભર તો વૃત્તિની, ગુલામીનો તો હવે થાક લાગ્યો છે
ઉદ્દેશ વિના તો જીવન વિતાવતો રહ્યો, જીવનનો તો હવે થાક લાગ્યો છે
પ્રભુદર્શનની તો રાહ જોઈ જીવનભર, રાહનો તો હવે થાક લાગ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)