જગ છોડી જાશું ભલે અમે રે પ્રભુ, તારું હૈયું છોડી જવાના નથી
કરશું યાદ તને કે નહિ રે પ્રભુ, તોય તને તો ભૂલવાના નથી
પહોંચાશે તારી પાસે કે નહિ રે પ્રભુ, દૂર અમારાથી તું રહેવાનો નથી
નજર તારા પર અમારી પડે કે નહિ રે પ્રભુ, તારી નજર બહાર અમે રહેવાના નથી
પડીયે મુસીબતમાં જ્યાં અમે રે પ્રભુ, દોડી આવ્યા વિના તું રહેવાનો નથી
વહેશે જ્યાં આંસુ, અમારા નયનોમાંથી રે પ્રભુ, લૂછયા વિના તું રહેવાનો નથી
તારા દર્દથી પીડાશું અમે જ્યાં રે પ્રભુ, દવા દીધા વિના તું રહેવાનો નથી
બનશું યોગ્ય જીવનમાં જ્યાં અમે રે પ્રભુ, તું ગળે લગાડયા વિના રહેવાનો નથી
કરશું કોશિશ સાચી, તને મળવા રે પ્રભુ, તું સાથ દીધા વિના રહેવાનો નથી
શ્વાસેશ્વાસ ને રોમેરોમમાં સમાવશું જ્યાં તને રે પ્રભુ, દર્શન દીધા વિના તું રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)