લઈ છાપ ઇન્સાનની, દીધી તેં તો જે પ્રભુ, જગમાં હું તો આવ્યો છું
રહી છે છાપ મળતી જુદી-જુદી, જગમાં મેળવતો હું તો આવ્યો છું
કાળા-ગોરાની, ઊંચા કે નીચાની, દીધી છાપ તેં જે, એ ધરાવતો આવ્યો છું
જ્ઞાની કે અજ્ઞાની, છાપ એની રે, જગમાં મેળવતો હું તો આવ્યો છું
ગરીબ કે તવંગર, છાપ જે મળી જગમાં, રાચતો એમાં હું તો આવ્યો છું
લોભી કે લાલચી, કામી કે ક્રોધી, છાપ જગમાં, એ તો પામતો આવ્યો છું
ધર્મી કે અધર્મી, નાસ્તિક કે આસ્તિક, છાપ એ મેળવતો તો આવ્યો છું
હિંદુ કે ઇસ્લામી, જૈન કે ઈસાઈ, છાપ સમાજની ધરાવતો હું તો આવ્યો છું
નાનો અમથો એક હું જીવડો, છાપ અનેક જગમાં મેળવતો આવ્યો છું
છાપ બીજી બધી મેળવવામાં ને પામવામાં, છાપ ઇન્સાનની ભૂલતો આવ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)