પડતું નથી ચેન જગમાં મને તો માડી, રે તારા વિના, રે તારા વિના
મનડું મારું ટકતું નથી, ટકે ના તનડું જેમ પ્રાણ વિના, રે પ્રાણ વિના
મનડું મારું તરફડે છે, તરફડે છે મીન તો જેમ, જળ વિના, રે જળ વિના
જોઈ રહ્યો છું રાહ તારી રે માડી, જેમ જુએ છે રાહ ચાતક મેઘની વર્ષામાં, મેઘની વર્ષામાં
છે હાલત તો મારા મનની એવી, જેમ રોગીની તો દવા વિના, રે દવા વિના
ખીલી ના શકું જગમાં હું તો માડી, ખીલે ના કમળ તો જેમ સૂરજ વિના, રે સૂરજ વિના
મટતી નથી ભૂખ મનથી તારા દર્શનની, મટે ના ભૂખ જેમ અન્ન વિના, રે અન્ન વિના
શોભી ના શકું રે જગમાં માડી, શોભે ના બાગ જેમ ફૂલ વિના, ફૂલ વિના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)