થાક્યો નથી રે સાગર, એની મસ્તીમાં રહ્યો છે એ તો ઊછળતો રે
તરે કંઈક નાવડી, ડૂબી કંઈક નાવડી, પહોંચી કંઈક તો કિનારે રે
રાખી ના નોંધ એણે કોઈની, અટકી ના મસ્તી એની, રહે એ તો ઊછળતો રે
મોજે-મોજે, રહી મસ્તી ઊછળતી એની, ફેર ના એમાં તો પડ્યો રે
રહ્યો છે સાક્ષી એ ઊગતા સૂર્યનો, બન્યો છે એ સાક્ષી આથમતા સૂર્યનો રે
આવ્યું એને રહ્યો સમાવતો, રહ્યો જગની ખારાશ તો હરતો રે
કર્યું મંથન જેણે સાચું રે એનું, રહ્યો મોતીડે એને વધાવતો રે
છોડી ના મસ્તી એણે એની, યુગો ને યુગો રહ્યા ભલે વીત્યા રે
છે પ્રતીક એ તો જગપિતાનું, હૈયું વિશાળ એ તો ધરાવતો રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)