છે તર્કના સહારા તો નિર્ણય સુધીના, લીધા નિર્ણય પછી તર્ક તો છોડવાના
છે સાધનાના પગથિયાં પ્રભુ પાસે પહોંચવાના, પહોંચ્યા પછી બાકી ના રહેવાના
વિચાર તો દિશા સૂચવવાના, અમલ વિના તો ત્યાં ને ત્યાં રહેવાના
ભાવો સાચા પ્રભુને નજદીક લાવવાના, મળ્યા પ્રભુ, ભાવો ત્યાં બીજા કયા રહેવાના
જ્યાં તન સાથે તો નથી આવવાનું, ત્યાં બીજા સાથે તો ક્યાંથી આવવાના
ભૂલાશે જ્યાં અસ્તિત્વ તારું, અસ્તિત્વ દેખાશે પ્રભુનું, અસ્તિત્વ બીજા ત્યાં શા કામના
મળે જ્યાં સૂર્યપ્રકાશ સાચો, પ્રકાશ બીજા તો ત્યાં શા કામના
મળે નીર ગંગાના તો જ્યાં સાચા, બીજા નીરની જરૂર તો ના રહેવાના
પ્રેમ મળે તો જ્યાં પ્રભુનો સાચો, બીજા પ્રેમની જરૂર તો ના રહેવાના
પહોંચાડે નાવ તારી જો કિનારે, બીજી નાવની જરૂર તો ના રહેવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)