માને ને વર્તે છે કંઈક તો જગમાં, જગનો ભાર તો જાણે એજ ઊંચકે છે
વિચારો ને વાણી એની, એવું તો સૂચવે, જાણે ઉપકાર જગ પર એ તો કરે છે
વર્તન તો રાખે એનું એવું રે જગમાં, હોશિયાર જગમાં ના બીજો કોઈ છે
વાત કરે પ્રભુની તો જાણે રે એવી, પ્રભુ જાણે એને પૂછયા વિના ના કંઈ કરે છે
સમજે ને સમજાવે રે એ તો જગને, જાણે બીજા બધા તો બેસમજ છે
ચિંધે સદા આંગળી બીજાની ભૂલો પર, ભૂલો ખુદની સદા એ ભૂલે છે
રહે અહં તો ખુદનો પોષતા પોષાય, જ્યાં ત્યાં સદા એ તો દોડે છે
ખુલ્લી આંખે રહે જે અંધ, અંધાપો બીજાનો તો સદા એ વખોડે છે
ખુદ તો રહે દંભમાં તો ખદબદતા, બીજાને દંભી તો ગણતા ફરે છે
છે બેમુખી તો આ દુનિયા, એક મુખ તો જગમાં કોઈકનું જ જડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)