થૂક્યું પોતાનું તો ગળવું રે, જગમાં તો કોને ગમે છે
વગર વિચારે કાઢેલા શબ્દો પોતાના, સહુને તો નડે છે
કાઢેલા શબ્દો તો દીવાલ એની એવી ઊભી કરે છે
તોડવી કે કૂદવી એને સદા તો મુશ્કેલ બને છે
શબ્દનું તીર તો જગમાં સદા જલદી છૂટી શકે છે
વાળવું પાછું તો એને, સદા દુર્લભ બને છે
રોષમાં ને ક્રોધમાં, શબ્દો તો જલદી સરી પડે છે
અંદર ને અંદર શબ્દો એ તો, ઘૂંટાતા રહે છે
ઘૂંટાતા ને ઘૂંટાતા એ તો એવા ઘેરાં બને છે
ધીરે ધીરે એ તો આકાર એના લેતા રહે છે
જેવાં શબ્દો, આકાર એવા, કદી એ તો ચોંકાવી દે છે
છે શબ્દની શક્તિ અનોખી, શબ્દ તો શબ્દબ્રહ્મ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)