કહેતાં કહેતાં તને રે માડી, મારા હૈયાની રે વાત
હૈયું મારું તારી પાસે માડી, હું તો ખાલી કરતો જાઉં
સાંભળે ના સાંભળે એને તું રે માડી, રજૂ હું તો કરતો જાઉં - હૈયું મારું...
સંઘરી હૈયે રે એને, એના ભારથી, હું તો દબાતો જાઉં - હૈયું મારું...
ગમે ના ગમે તને રે માડી, તોય તને હું એ તો કહેતો જાઉં - હૈયું મારું...
કરવું ના કરવું શું એમાં, ના સમજું માડી, બસ તને હું કહેતો જાઉં - હૈયું મારું...
છે મારગ મારા સાચા કે ખોટા, એમાં હું તો મૂંઝાતો જાઉં - હૈયું મારું...
અનુભવ સુખદુઃખના મળતાં રહ્યા એમાં, હું તો તણાતો જાઉં - હૈયું મારું...
ઘેરાઈ ગયો છું એમાં હું તો એવો, સમતુલન ખોતો હું તો જાઉં - હૈયું મારું...
તારા વિના નથી બીજું કોઈ મારું, હવે દિલથી એ તો માનતો જાઉં - હૈયું મારું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)