હેતથી ભરેલાં હૈયા તારા તું રાખજે રે, પ્રભુ તો હેતનાં ભૂખ્યા છે
સત્યના રાહે સદા તું તો ચાલજે રે, પ્રભુ તો સદા સત્યના સાથમાં છે
પ્રાણીમાત્રના ભેદ તું હૈયેથી હટાવજે રે, પ્રભુ તો સર્વમાં વસ્યા છે
દૃષ્ટિને સદા તું નિર્મળ રાખજે રે, પ્રભુને દૃષ્ટિથી તો જોવા છે
મનડાંને સદા શાંત તું રાખજે રે, પ્રભુને મનડાંથી બાંધવા છે
હૈયાની વિશાળતા એટલી વધારજે રે, પ્રભુને હૈયામાં સમાવવા છે
પાપની રાહ તો સદા ત્યજજો રે, પ્રભુ, ના પાપથી તો રીઝ્યાં છે
સરળતા હૈયે તો સદા રાખજો રે, પ્રભુને નજદીક તો લાવવાં છે
હૈયે પ્રભુપ્રેમ તો સદા ભરજો રે, પ્રભુ તો સદા પ્રેમથી પીગળ્યાં છે
ભેદ હૈયેથી બધા તો મિટાવજો રે, પ્રભુ તો બધામાં વસ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)