નથી કાંઈ જગમાં હું તો મહાન રે માડી, એકરાર એનો કરું છું
પણ છું હું તો તારું ને તારું જ બિંદુ માડી, સ્વીકાર એનો કરું છું
અકળાતો જાઉં છું તારા દર્શન વિના રે માડી, પોકાર એનો કરું છું
ડૂબતો રહ્યો છું માયાના કાદવમાં રે માડી, ના ઇન્કાર એનો કરું છું
તારા દર્શન કાજે તલસતો રહું રે માડી, બેકરાર એમાં બન્યો છું
તોફાનોની તો ટક્કર ઝીલતો ઝીલતો રે માડી, બેસુમાર ઝીલતો રહ્યો છું
સાચી સમજ જાગી જ્યાં તારી હૈયે રે માડી, તરફદાર તારો બન્યો છું
તારી કૃપાનું બિંદુ પામીને રે માડી, જગમાં ઇજ્જતદાર બન્યો છું
તારી ભક્તિના ભાલા ગયા વીંધી હૈયું મારું રે માડી, ચોધાર આંસુ વહાવતો રહ્યો છું
નથી ઇલાજ કોઈ પાસે મારી રે માડી, અરજદાર તારો તો બન્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)