તમને હું જોયા કરું, તમે મને જોયા કરો, પ્રભુ, વળશે શું એમાં આપણું
એકબીજાના પૂરક બન્યા વિના, જીવન તો સફળ ક્યાંથી થવાનું
કેદીઓ પણ રહે છે કેદમાં, જોવે એકબીજાને જાળીમાંથી, વળે એકબીજાનું શું
રાખીને માયાની કેદમાં અમને, રહે છે નીરખતો અમને, વળ્યું એમાં તારું શું
તું ને હું નથી જ્યાં જુદા, પાડયા કેદે જુદા, આપણને ખટકતું નથી એ શું
પ્રેમ તરસ્યા આ હૈયાંને, છે જરૂર તારા પ્રેમની, ખ્યાલમાં નથી તને તો એ શું
આદત જોવાની ભૂલ્યો નથી તું, તારો હું, હોઉં સુખી કે દુઃખી, જોતો રહ્યો છે તું
આવ્યો ના કેમ પાસે, રહ્યો બસ તું જોતોને જોતો, કારણ એનું ના તેં દીધું
કહ્યાં વિના ના સમજીએ અમે કાંઈ, સમજીએ કાંઈ જુદું, રાખજે ના તું એવું
છોડવી પડશે આદત તારે તારી, તોડવી પડશે કેદ તારે મારી, પ્રેમથી ત્યારે ભેટશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)