બન્યો બનાવ્યો મહેલ વિશ્વાસનો મારો, શંકાના એક તીક્ષ્ણ તીરે તૂટી ગયો
અપરાધ વિનાનો અપરાધી હું તો બની ગયો, જ્યાં શંકાનો શિકાર હું તો થઈ ગયો
દૃષ્ટિની વિમળતા હું વીસરી ગયો, જ્યાં દૃષ્ટિનો દૃષ્ટિકોણ તો બદલાઈ ગયો
હૈયાના શાંત જળને એ ડહોળી ગયો, જ્યાં પથરો શંકાનો એમાં તો પડી ગયો
સ્થિર શાંત નાવડીને મારી, શંકાનો તોફાની વાયરો તો ડગમગાવી ગયો
ક્રોધની જ્વાળા એ તો ઊભી કરી ગયો, વેરની જ્વાળા એ તો પ્રગટાવી ગયો
રંગ તો જ્યાં એનો ચડી ગયો, ધૂંધળું બધું એ તો બનાવી ગયો
એકતાના સૂરોનો તો ભંગ કરીને, અલગતાના સૂરો ઊભા એ કરી ગયો
લાગ્યો શરૂમાં એ તો નાનો નાનો, સ્વરૂપ એના એ તો વિકસાવતો ગયો
સદ્દજ્ઞાનના સત્યપ્રકાશમાં એ તો, ક્યાં ને ક્યાં અલોપ તો થઈ ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)