અરે ઓ મેહુલિયા રે, દૂર દૂરથી તમે આવ્યા
વહાલાં મારા પ્રભુના સંદેશા શું લાવ્યા રે
અરે ઓ નભમાં ટમટમતા તારલિયા રે, દૂર દૂર તમે પ્રકાશ્યા
વહાલાં મારા પ્રભુએ સંદેશા શું મોકલાવ્યા રે
અરે શીતળ સુગંધિત વાયરા રે, દૂર દૂર વહેતા તમે આવ્યા
વહાલાં મારા પ્રભુના સંદેશા તમે શું લાવ્યા રે
અરે ઓ સૂર્યદેવતા રે, રહ્યા તમે તો કિરણો મોકલતા રે
વહાલાં મારા પ્રભુજીએ સંદેશા શું મોકલાવ્યા રે
અરે ઓ પર્વત પરથી વહેતા ઝરણાં રે, કલકલ રહ્યા તમે વહેતા રે
વહાલાં મારા પ્રભુજીના સંદેશા શું લાવ્યા રે
અરે દૂર દૂરથી આવતા મોજા રે, દૂર દૂરથી તમે આવ્યા રે
વહાલાં મારા પ્રભુજીએ સંદેશા શું મોકલ્યા રે
અરે ઊગતા નૂતન પ્રભાત રે, પ્રકાશ જીવનમાં તમે પાથર્યા
વહાલાં મારા પ્રભુજીના સંદેશા તમે શું લાવ્યા રે
અરે ઓ ઊગતી ઊષા રે, શરમાતા શરમાતા પગલાં પાડયા રે
વહાલાં મારા પ્રભુજીએ સંદેશા શું મોકલાવ્યા રે
અરે ગિરિરાજ હિમાલય રે, તમે વસતાં ગંગાજીના સાથમાં રે
વહાલાં મારા પ્રભુજીના સંદેશા શું લાવ્યા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)