દેવાય તો દેજો અમને રે પ્રભુ, ના દેવાય તો ના અમને દેજો
જરૂર પડે તો, હૈયું અમારું રે પ્રભુ, અનામત તમારી પાસે લઈ લેજો
માગું છું ભક્તિ તમારી રે પ્રભુ, દેવામાં કૃપણ એમાં તો ના બનજો
જગ-પ્રેમના ભાવો તો હૈયે જગાવી, ભરતાં ને ભરતાં એને તો રહેજો
છે માગણી હૈયે તો સાચી શ્રદ્ધાની, જરૂરિયાત એ તો પૂરી કરજો
ડગલે પગલે છે જરૂરિયાત જીવનમાં ધીરજની, અમને એ તો દેતા રહેજો
સમજણની ઊણપ છે અમારામાં રે પ્રભુ, ઊણપ તો એ પૂરી કરજો
છે જગવ્યવહાર અમારા અટપટા, સમજી તમારા એને સાચવી લેજો
છે દંભ ભરેલા જીવન તો અમારા, દંભ અમારા તો ચીરી નાંખજો
જીવન ઝંઝાવાતમાં તો ઝઝૂમવા, હિંમત અમારામાં તો ભરી દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)