ના સાંભળવું હોય તારે રે માડી, તો તું ના સાંભળજે
પણ માડી, મને, મારા હૈયાની વાત આજ કહેવા દે
ચડ્યો છે હૈયા પર તો જે ભાર, માડી તારી પાસે ખાલી કરવા દે
ચિંતાઓ કરી-કરી રહ્યો ફરતો, માડી તારી પાસે હળવો થાવા દે
રોકી ના શક્યો અહંને મારા રે માડી, તારી પાસે કબૂલ કરવા દે
કર્યાં કાળાંધોળાં જીવનમાં તો ખૂબ, હવે મને એ તો છોડવા દે
જગને સાચું માની કરતો રહ્યો ભેગું, મિથ્યા એને સમજવા દે
ચિત્ત રહ્યું ને રાખ્યું રે ભમતું, હવે તારામાં એને તો જોડવા દે
ખોટા ભાવોમાં રહ્યો જીવનભર, હવે તારા ભાવમાં તો રહેવા દે
જાણ્યું થોડું તો જગમાં, હવે મને, તને તો જાણવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)