ઊંચું-ઊંચું છે એટલું રે ઊંચું, ના એને પહોંચી શકાય
તોય એ તો, તારામાં ને તારામાં તો સમાય
છે એમાં વિશાળતા તો એટલી, જગના જગ પણ સમાઈ જાય - તોય...
છે ઊંડું-ઊંડું એવું રે ઊંડું, દેખાય ના એનું તો તળિયું - તોય...
નથી જે કાંઈ તો એમાં, મળશે ના તને તો બીજે ક્યાંય - તોય...
છે એવું એ તો ખાલી, છે ભર્યું-ભર્યું બધું, તોય ભર્યું ના દેખાય - તોય...
છે એટલું એ તો સૂક્ષ્મ, ના ગોત્યું જલદી એ તો ગોતાય - તોય...
છે પ્રકાશ તો એનો એવો, પ્રકાશ પણ એનાથી પ્રકાશિત થાય - તોય...
અંતર આકાશના ને બાહ્ય આકાશના, મેળ જલદી ના મળી જાય - તોય...
મળ્યા જ્યાં મેળ એના, બધું ત્યાં તો એકરૂપ તો થઈ જાય - તોય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)