જીવન જીવવું છે તો એવું, ના કોઈ કરે ફરિયાદ મારી, ના કોઈની ફરિયાદ કરું
રહેવું છે જીવનમાં એવું, ના કોઈ નડતર કરે મને, ના કોઈને નડતર હું કરું
કહેવું છે તો જીવનમાં એવું, સહુ સમજી શકે મને, સહુને હું સમજી શકું
રાજી થવું છે જીવનમાં એવું, સદા હું રાજી રહું, સહુને તો રાજી કરું
સ્થિર રહેવું છે મારે તો એવું, વારેઘડીએ માર્ગ ના હું તો બદલું
પ્રેમમાં રહેવું છે મસ્ત મારે એવું, એની મસ્તીમાં સદા મસ્ત હું તો રહું
બને એટલું દુઃખદર્દ દૂર અન્યનું કરું, મારું દુઃખદર્દ શાંતિથી સહન કરું
ના કોઈનું જીવનમાં તો બૂરું કરું, ના બૂરું કોઈનું જીવનમાં તો ચાહું
ના કોઈને લડવા કારણ દઉં, ના કોઈ સાથે જીવનમાં તો લડું
રાખી નજર સામે નિત્ય પ્રભુને, પ્રભુ પાસે તો હું પહોંચું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)