અજમાવી જુઓ, અજમાવી જુઓ, જીવનમાં આટલું તો અજમાવી જુઓ
છે જીવન તો તારું, છે મેદાન તો તારા પ્રયોગોનું, એમાં આટલું અજમાવી જુઓ
કારગત ના મળી જીવનમાં જ્યાં, અધીરાઈમાં જીવનમાં ધીરજને અજમાવી જુઓ
વેરે દાટ વાળ્યો જીવનમાં તો જ્યાં, પ્રેમને જીવનમાં ત્યાં તો અજમાવી જુઓ
અસત્ય ડંખ રહ્યું છે મારતું જીવનમાં તો જ્યાં, સત્યને જીવનમાં ત્યાં અજમાવી જુઓ
અકડાઈથી વળ્યું ના કાંઈ જ્યાં જીવનમાં, જીવનમાં નમ્રતાને તો ત્યાં અજમાવી જુઓ
શંકાએ વાળી દીધા પાસા અવળા જ્યાં જીવનમાં, વિશ્વાસને તો જીવનમાં અજમાવી જુઓ
બેધ્યાનપણાના ધ્યાનમાં, ગુમાવ્યું ઘણું જીવનમાં, એકાગ્રતાને જીવનમાં તો અજમાવી જુઓ
ઝઘડા ટંટાએ હરી લીધી શાંતિ જીવનની, સંપને જીવનમાં તો ત્યાં અજમાવી જુઓ
ખોટી જીદે પાડયું અંતર ઘણા સાથે જીવનમાં,સમજણને જીવનમાં ત્યાં અજમાવી જુઓ
સમજી સમજીને વળ્યું ના કાંઈ જીવનમાં, આચરણને જીવનમાં ત્યાં અજમાવી જુઓ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)